બંધ

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું???

પ્રકાશિત તારીખ : 01/05/2025

વિદ્યાર્થી મિત્રોની અવઢવનો મળશે સુખદ સમાધાન.

માહિતી નિયામકની કચેરી  દ્વારા પ્રસિદ્ધ કરાયો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫.

માત્ર રૂ. ૨૦/- માં જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતેથી મળી શકશે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫.

આણંદ, ગુરૂવાર: ધોરણ ૧૦ અને ૧૨ પછી શું??? આ યક્ષ પ્રશ્ન બોર્ડની પરીક્ષાનો સામનો કરનાર દરેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને થતો હોય છે. હાલના સોશિયલ મીડિયાના સાપ્રંત સમયમાં દરેકે દરેક કારકિર્દીલક્ષી વિગતો હાથવગી બની છે. પરંતુ તેની વિશ્વનિયતા કેટલી?? જેના પ્રતિ ઉત્તરમાં ગુજરાત સરકારની માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર  દ્વારા પ્રસિદ્ધ કરાયો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫…જી..હાં…તે પણ નજીવા દરે…માત્ર રૂ.૨૦/- ની કિંમત ધરાવે છે, આ ૨૨૨ પાનાનો સંપુટ.

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ માં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પોતાના સ્વપ્નને પાંખ મળે અને અદકેરો સાહસ કેળવાય તેવા પ્રેરણાદાયી લેખોનો સમાવેશ કરાયો છે. જેમાં ભવેન કચ્છી, જય વસાવડા, રમેશ તન્ના, અશોક ગુજ્જર, સંજય રાવલ, અંકિત દેસાઈ, દેવેશ મહેતા વગેરે જેવા પ્રખ્યાત લેખકોની નિવડેલ કલમ થકી પ્રેરણાદાયી લેખો લખેલા છે.

આ ઉપરાંત ધોરણ -૧૦ પછીના કારકિર્દીના વિકલ્પો તથા ધોરણ-૧૨ પછીના કારકિર્દીલક્ષી વિકલ્પો પર પ્રકાશ પાડતા વિવિધ વિષયો પરના વિસ્તૃત છણાવટ કરતાં લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ તથા વાલીઓને જણાવવાનું કે, માત્ર રૂ.૨૦/- ની કિંમત ધરાવતા આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક  નાયબ માહિતી નિયામકની કચેરી, માહિતી ખાતુ, બોરસદ ચોકડી પાસે, જુના સેવા સદન, જિલ્લા માહિતી કચેરી, રૂમ નં ૧૧૩, પહેલા માળે, આણંદ ખાતેથી કચેરી સમય દરમિયાન મળી રહેશે.

 

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું1