બંધ

આણંદના બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતે ૬૬ કે.વી.કાલુ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

પ્રકાશિત તારીખ : 24/04/2025

સબસ્ટેશન થવાથી બોરસદ તાલુકાના ૧૪ જેટલા ગામો ૨૪ કલાક વીજળીથી લાભાન્વિત બનશે: નાયબ મુખ્ય દંડકશ્રી

આણંદ,ગુરુવાર: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(જેટકો) હસ્તકના બોરસદના  કાલુ  ગામ ખાતેના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ કર્યું હતું.

નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકીએ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, અંદાજિત ૧૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સબ સ્ટેશન થકી બોરસદ તાલુકાના કાલુ ગામ સહિત આજુબાજુના અન્ય ૧૪ ગામનો ૧૫ હજાર ઉપરાંત લાભાર્થીઓને ૨૪ કલાક વીજળીની સુવિધા મળી રહેશે,તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયના દરેક નાગરિકોને માળખાકીય સુવિધા મળી રહે તે માટે કટીબધ્ધ છે,જેના પરિણામે આજે કાલુ ગામનું સબસ્ટેશનનું નિમાર્ણ પામનાર છે.

આ વેળાએ નાયબ મુખ્ય દંડક શ્રી ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો પણ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ટુંક જ સમયમાં ઉર્જા મંત્રીશ્રીએ આ પ્રકારના સબસ્ટેશનની મંજૂરી આપી,જેથી કરીને વીજળીની સમસ્યા દૂર થશે અને લોકના જીવનમાં પણ અજવાળું પથરાશે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ વેળાએ  બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મિહિરભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરીને કાલુ ગામના સરપંચ તથા ગામજનોનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

જેટકોના અધિક્ષક ઇજનેર શ્રી કે. ડી.ખોડીયારે સ્વાગત પ્રવચન કરીને સબસ્ટેશનની ઝીણવટપૂર્વકની માહિતીથી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા.

આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ,એપીએમસી અધ્યક્ષ, ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

બોક્સ:

નવા સ્થાપનાર ૬૬ કે.વી.કાલુ સબસ્ટેશનથી થનાર લાભો:

# ૬૬ કે.વી. કાલુ સબ સ્ટેશનના કાર્યાન્વિત થવાથી હાઈ ટેન્શન તેમજ લો ટેન્શનના ખેતીવાડી, ઔધોગિક,વ્યાપારિક તેમજ ઘર વપરાશના કનેક્શન ધરાવતા વીજ ગ્રાહકોને પૂરતા વીજ દબાણથી તેમજ વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપી શકાશે

# ૬૬ કે.વી. કાલુ સબ સ્ટેશનના કાર્યાન્વિત થવાથી હાલના ૬૬ કે.વી રાસ, આંકલાવ,બોરસદ,સબસ્ટેશનોના વીજભારમાં નોંધપાત્ર ઘટાડો થશે.જેથી કરીને તે સબસ્ટેશનોથી વીજળી મેળવતા ગ્રાહકોને પૂરતા વીજ દબાણથી વધુ સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો આપી શકાશે અને વધારાની વીજ માંગ  સંતોષી શકાશે