પોષણ પખવાડિયું ૨૦૨૫: આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 24/04/2025
પ્રોટીનયુક્ત આહાર, ટેક હોમ રાશન (THR), માતૃશક્તિ, બાલશકિતના ફાયદા અંગે લાભાર્થીને સમજ અપાઈ
આણંદ, સોમવાર: સમગ્ર ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તા.૮ થી તા.૨૨ એપ્રિલ સુધી ‘પોષણ પખવાડિયું – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યને પોષણયુક્ત બનાવવાનો છે.
આણંદ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં ‘પોષણ પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસર અને તેમની ટીમ દ્વારા કિશોરીઓને પૌષ્ટિક આહારનાં મહત્વ- શાકભાજી અને પૂરતા ભોજન વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને માસિક ધર્મ વ્યવસ્થાપન અંગે અને HB વિશે વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વર્ષ-૨૦૨૫ના પોષણ પખવાડિયા માટે પાંચ મુખ્ય ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ ૧,૦૦૦ દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી, બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જનજાગૃતિ પ્રસાર-પ્રચાર જેવા વિષયો પર કામગીરી કરવામાં આવી રહી છે.
‘વિકસિત ભારત’ના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારતનું નિર્માણ અત્યંત મહત્વનું છે. પોષણ અભિયાન એક નિર્ણાયક પગલું સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષમાં બે વખત, સપ્ટેમ્બર મહિનામાં ‘પોષણ માસ’ અને માર્ચ-એપ્રિલ મહિનામાં ‘પોષણ પખવાડિયું’ ઉજવણી કરવામાં આવે છે.
આમ,પોષણ અભિયાનએ પોષણક્ષમ આહાર અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.