દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પેટલાદ એસ.એસ.હોસ્પિટલ કટિબધ્ધ – ડો. ગિરીશ કાપડિયા
પ્રકાશિત તારીખ : 05/04/2025
પેટલાદની એસ.એસ.હોસ્પિટલ ખાતે માર્ચ-૨૦૨૫ ના માસની કુલ ઓ.પી.ડી. ૧૭૯૪૨ નોંધાઈ.
આણંદ, શુક્રવાર: રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શ્રી સયાજી હોસ્પિટલ (એસ.એસ.હોસ્પિટલ), પેટલાદ ખાતે દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર છે.
એસ.એસ.હોસ્પિટલ, પેટલાદના સિવિલ સર્જન શ્રી ડોક્ટર ગિરીશ કાપડિયાના જણાવ્યા મુજબ હોસ્પિટલ ખાતે દર્દીઓને લગતી વિવિધ સેવાઓ, પ્રસુતિને લગતી સેવાઓ, બાળ રોગ ઓ.પી.ડી., માનસિક રોગની ઓ.પી.ડી., જનરલ સર્જરી, ફિઝીશીયન ઓ.પી.ડી, આંખના વિવિધ રોગોની સારવાર, ડી.ઇ.આઇ.સી. – વિભાગ, દાંત વિભાગ, હાડકાના વિવિધ રોગોની સારવાર તેમજ ક્લબ ફુટની સારવાર વિના મૂલ્યે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઉપલબ્ધ છે.
તેમના જણાવ્યા પ્રમાણે માર્ચ-૨૦૨૫ ના માસની કુલ ઓ.પી.ડી. ૧૭,૯૪૨ નોંધાઇ છે. જે હોસ્પિટલ ખાતેના ઇતિહાસ પ્રમાણે અત્યાર સુધીની સૌથી વધુ ઓપીડી છે. આ ઉપરાંત માર્ચ-૨૦૨૫ ના માસમાં કુલ દાખલ દર્દીઓની સંખ્યા પણ ૪૯૪૩ જેટલી નોંધનીય રહેલ છે.
હોસ્પિટલ ખાતે આયુષ્યમાન યોજના હેઠળ આવતા દર્દીઓને વિવિધ સારવાર પુરી પાડવામાં આવી છે, જેના માટે આ યોજના અંતર્ગત રૂ. ૫૩,૯૪,૪૦૦/- ના કલેમ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ રકમ અત્યાર સુધીની સૌથી વધુ કલેમ થયેલ રકમ છે.
હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે એસ.એસ.હોસ્પિટલ,પેટલાદ હંમેશા કટિબદ્ધ છે, તેમ ડોક્ટર કાપડિયાએ વધુમાં ઉમેર્યું હતું.