ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા) આ.કૃ.યુ. આણંદ ખાતે અમદાવાદ જિલ્લાના વિસ્તરણ કાર્યકરો માટે પ્રાકૃતિક કૃષિ પર તાલીમ યોજાઇ
પ્રકાશિત તારીખ : 24/03/2025
આણંદ,સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા) અને અમદાવાદના , જિલ્લા પંચાયતની જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીના સંયુકત ઉપક્રમે તા. ૨૦ અને ૨૧ માર્ચના રોજ અનિકેત ખેડૂત નિવાસ, આ.કૃ.યુ., આણંદ ખાતે અમદાવાદ જિલ્લાના ગ્રામસેવકો અને વિસ્તરણ અધિકારી (ખેતી) માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઇ હતી.
આ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના ૧૦૦ જેટલા ગ્રામસેવકો અને વિસ્તરણ અધિકારીઓએ ભાગ લીધો હતો. તેઓને તાલીમ દરમ્યાન પ્રાકૃતિક કૃષિનો પરિચય, વિવિધ આયામો, સિધ્ધાંતો, તકો અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વધુમાં, તેઓને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત કેવી રીતે બનાવવું તેમજ આચ્છાદન, મિશ્ર પાક પધ્ધતિ અને તેની ઉપયોગીતા વિશે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.આ તાલીમ દરમ્યાન સૂક્ષ્મ જીવાણુઓ અને દેશી ગાયનું તથા ખેતીની આડપેદાશોનું પ્રાકૃતિક કૃષિમાં મહત્વ અને ઉપયોગીતા વિશે વિસ્તૃત સમાજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમદાવાદ જિલ્લાના ગ્રામ સેવકો કે જેઓ ખેડૂતો સાથે સીધા સંકળાયેલા છે તેઓને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિશે પુરતી માહિતી તેમજ પ્રેક્ટિકલ જ્ઞાન આ.કૃ.યુ.ના વૈજ્ઞાનિકો દ્વારા વિસ્તૃત વિગતોથી વાકેફ કર્યા હતા. જેથી તેઓ આ જ્ઞાનનો ઉપયોગ કરીને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષેની સવિસ્તાર અને સચોટ તેમજ પ્રેક્ટિકલ જ્ઞાન પુરુ પાડી શકે.
આ તાલીમ દ્વારા ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ થતો ખર્ચ ઘટાડી શકે તેમજ જમીનની જાળવણી માટે પુરતી કાળજી રાખીને વાતાવરણ અને ખેતી પાકોના ઉત્પાદનને રસાયણ મુક્ત રાખી શકશે તેવી આયોજકો આશા સેવી હતી.
