આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આણંદ અને ખેડા જિલ્લાના ખાતર વિક્રેતાઓની શિબિર યોજાઈ
પ્રકાશિત તારીખ : 21/03/2025
આણંદ, શુક્રવાર: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા આણંદ અને ખેડા જિલ્લાના ખાતર વિક્રેતાઓની શિબિર આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર સ્મૃતિ કેન્દ્ર, મિટિંગ હોલ ખાતે રાખવામાં આવી હતી.
આ શિબિર જી.એન.એફ.સી.લી.ના માર્કેટિંગ વિભાગના હેડ શ્રી વી વી બિરાદરના માર્ગદર્શન હેઠળ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. કે. બી. કથીરીયા ના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
મહાનુભાવો દ્વારા આણંદ-ખેડા જિલ્લાના ખાતર વિક્રેતાઓને વિવિધ કૃષિકીય બાબતોની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પાક સંવર્ધન, પાક પોષણ, પાક સંરક્ષણ, જી.એન એફ.સી લી ના ખાતરો અને વિપણન સંબંધિત બાબતો તથા સરકારશ્રીના ખાતરોને લગતા નીતિ-નિયમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ખાતર વિક્રેતાઓને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપી નિરાકરણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના હસ્તે વિક્રેતાઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી તેમને જૂદી જુદી કેટગરી પ્રમાણે પ્રમાણપત્રો અને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આણંદ-ખેડા જિલ્લાના ૧૨૦ જેટલા ખાતર વિક્રેતાઓ અને એમની વિતરક સંસ્થાઓ ગુજકોમાસોલ, ગુજરાત એગ્રો. ઇન્ડ. કોર્પોરેશન, ગુજરાત ટોબેકો ફેડરેશન અને આરકોગુલના પ્રતિનિધિઓ સવિશેષ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જી.એન.એફ.સી.લી.ના ગુજરાતના હેડ શ્રી એસ .વી લાઠીગરા, આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક શ્રી ડૉ.એમ. કે. ઝાલા, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉ. જે.કે.પટેલ તથા આણંદ જીલ્લા નાયબ ખેતી નિયામક શ્રી એસ.જી.ગઢીયા અને જી.એન.એફ.સી.લી.ના મધ્ય ગુજરાતના હેડ શ્રી ડી.એ.પટેલ, જી.એન.એફ.સી.લી.ના આણંદ-ખેડા જિલ્લાના નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર-સંચાલકો શ્રી એસ.કે.ભુવા, શ્રી પી.એ.પટેલ, શ્રી આર.આર.પટેલ તથા શ્રી એન.એમ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જી.એન.એફ.સી.લી.ના આણંદ જિલ્લા પ્રતિનિધિ શ્રી એચ .આર. નંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
