ખંભાત તાલુકાના જહાજ ગામે વિશ્વ રીસાયકલ દિવસની ઉજવણી કરાઈ
પ્રકાશિત તારીખ : 20/03/2025
જહાજ ગામમાં વેસ્ટ સેગ્રીગેશન શેડ ખુલ્લો મુકાયો.
ભવિષ્યમાં ખંભાત તાલુકાનું જહાજ ગામ એકદમ સ્વચ્છ બની જશે- પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આણંદ.
આણંદ, બુધવાર: ખંભાત તાલુકાના જહાજ અને ધર્મજ ગામે નાઇસોલ મેન્યુફેકચરીગ કંપની કાર્યરત છે. આ કંપનીના ડાયરેક્ટર શ્રી સારા પટેલ અને તેમની પર્યાવરણ માટેની ટીમ દ્વારા જહાજ ગામને સ્વચ્છ બનાવવા માટે કંપનીની સીએસઆર એક્ટિવિટી અંતર્ગત વડોદરાના એનજીઓ, કચરે સે આઝાદી ફાઉન્ડેશનની ટીમ દ્વારા જહાજ ગામ ખાતે સેગ્રીગેશન સેડ તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયત જહાજના સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી શ્રી દ્વારા નાયસોલ કંપનીને સેગ્રીગેશન શેડ બનાવવા માટે ગામમાં જ જગ્યા આપવામાં આવી છે. જ્યાં એનજીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સેગ્રીગેશન શેડનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આણંદના પ્રાદેશિક અધિકારી શ્રીમતી માર્ગીબેન પટેલ દ્વારા ઉદ્દઘાટન કરવામા આવ્યું હતું.
કચરે સે આઝાદી ફાઉન્ડેશનની ટીમ દ્વારા ગામમાં રહેતા તમામ મહિલાઓને તેમના ઘરમાંથી નીકળતો કચરો કેવી રીતે અલગ કરીને આપવો તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત આ એનજીઓ દ્વારા જ ગામના દરેક ઘર ખાતેથી કચરાનું વર્ગીકરણ કરીને વ્યવસ્થિત રીતે કચરો જમા કરવામાં આવે છે, તેમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ પણ આપવામાં આવે છે.
નાઇસોલ કંપનીના સીએસઆર એક્ટિવિટી અંતર્ગત સોલિડ વેસ્ટ રિસાયકલ કરવામાં આવે છે, જેના કારણે ગામમાં પ્લાસ્ટિક જ્યાં ત્યાં પડેલું જોવા મળતું નથી અને સોલિડ વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવેલ ખાતર ખેતીમાં ઉપયોગી થઇ શકે છે.
આ કંપનીની અને એનજીઓની એક્ટિવિટીના કારણે ખંભાત તાલુકાનું જહાજ ગામ એકદમ સ્વચ્છ થઈ જશે તેવું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી શ્રીમતી માર્ગીબેન પટેલનું કહેવુ છે.
જહાજ ગામ ખાતે શરૂ કરવામાં આવેલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટના ઉદ્દઘાટન પ્રસંગે કચરે સે આઝાદી ફાઉન્ડેશનની ટીમ દ્વારા વેસ્ટ કલેક્શન થયાં પછીની પ્રક્રિયાને વિસ્તૃત રીતેnસમજાવવામાં આવી હતી અને રીસાયકલિગ પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
આ તકે ગામમાં મહાનુભાવો અને ગ્રામજનોએ સાથે રહીને સામુહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામની સફાઈ પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી શીતલબેન પટેલ, મગનભાઇ વણકર, ગ્રામજનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
