બંધ

આણંદ મહાનગરપાલિકા નો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

પ્રકાશિત તારીખ : 19/03/2025

આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાની દાલબાટી, તાજા પીઝા અને સ્ટેશન રોડની નાઝ રેસ્ટોરન્ટ સીલ કરાઈ.

ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું આરોગ્ય જોખમાતું હશે તો હોટેલ, રેસ્ટોરન્ટ સીલ કરાશે – કમિશનર શ્રી મિલિંદ બાપના.

આણંદ, મંગળવાર : આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાના આદેશ અનુસાર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.

આ તપાસણી દરમિયાન આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ રાજસ્થાની દાલબાટી અને તાઝા પીઝા તથા સ્ટેશન રોડ ઉપર આવેલ નાઝ રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ હોટલ-રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આ હોટલો ખાતે આકસ્મિક તપાસ કરી હોટલો ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરી હતી. આ તપાસણી દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટોમાં રસોડાની સાફસફાઈ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી, ખોરાક ઢાંકેલો ન હતો તેમજ તેની ઉપર માખીઓ બેસેલી જોવા મળી હતી. ઉપરાંત આ હોટલ-રેસ્ટોરન્ટના રસોઈ ઘરમાં ગંદકી જણાતા અને હોટલ-રેસ્ટોરન્ટના સ્ટાફમાં પણ સ્વચ્છતાનો અભાવ જણાયો હતો જે લોકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ ત્રણેય હોટલ-રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ 376-A અંતર્ગત સીલ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી ડૉ. સુધીર પંચાલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીના એકમોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે અને જો ખાણીપીણીના કોઈપણ એકમો દ્વારા જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવા હોટલ, લારી-ગલ્લાઓ,  રેસ્ટોરન્ટોના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોને સ્વચ્છતા બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Anand Municipal Corporation's Health Department in Action Mode 1

આણંદ મહાનગરપાલિકા નો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

Anand Municipal Corporation's Health Department in Action Mode 2