આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્રની મુલાકાત લેતા ખેડા જિલ્લાના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
પ્રકાશિત તારીખ : 07/03/2025
વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરાયા
આણંદ,ગુરૂવાર: ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાની નવાગામની પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરતા કુલ ૬૦ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકોએ પ્રીવોકેશનલ/વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત કેન્દ્ર સંશોધન અને વિસ્તરણ સંલગ્ન પ્રવૃતિઓ, પ્રાકૃતિક ખેતી અને અન્ય કૃષિ વિષયક માહિતી મેળવવાના હેતુથી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, નેનપુરની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં કેન્દ્રના વડા અને સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડૉ. ડી. બી. પ્રજાપતિએ, વિદ્યાર્થીઓને કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલી સંશોધન અને વિસ્તરણ સંલગ્ન પ્રવૃતિઓ, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા અભ્યાસક્રમો અને રોજગારની તકો વિશે પ્રકાશ પાડ્યો હતો. તેમજ વિવિધ પાકોમાં જંતુનાશક દવાના છંટકાવ અને રાસાયણિક ખાતરોના બેફામ વપરાશથી, માણસના અને જમીનના આરોગ્ય ઉપર થતી વિપરિત અસરોની જાણકારી આપી હતી.
આ પ્રસંગે મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી ડૉ. બી. એન. ઠક્કરએ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિની અગત્યતા વિશે માહિતી આપી હતી.
વધુમાં વિધાર્થીઓને નેનપુર કેમ્પસમાં મ્યુઝિયમની મુલાકાત કરાવી અને જીવંત નમૂના અને ચાર્ટ દ્વારા કૃષિ વિજ્ઞાનની માહિતી પ્રત્યક્ષ બતાવવામાં આવી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્રની મુલાકાત લેતા ખેડા જિલ્લાના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
