બંધ

ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો

પ્રકાશિત તારીખ : 01/03/2025

આજે ૦૩ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કેસ નોંધાયા.

૨૮ હજાર થી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ.

આણંદ, શુક્રવાર: પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે કમળાના કેસ મળી આવતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ની ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના જણાવ્યા મુજબ ધર્મજ ગામ ખાતે આરોગ્ય વિભાગની ૧૯ જેટલી ટીમો કાર્યરત છે, અને આ ટીમો દ્વારા પાણીના લીકેજિસ શોધવાની કામગીરી અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શોધવામાં આવેલ પાણીના ૩૮ જેટલા લીકેજીસની દૂરસ્તીની કામગીરી ગ્રામ પંચાયત ધર્મજ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે, તેમ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી રોનક ભાવસાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ જણાવ્યું કે, ધર્મજ ગામ ખાતે અત્યાર સુધીમાં કુલ ૧૨૧ જેટલા કમળાના કેસ મળી આવ્યા છે, આજે મળેલા ૦૩  નવા કેસ પૈકી ૦૨ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. ગતરોજ દાખલ કરવામાં આવેલ ૦૧ દર્દીને રજા આપવામાં આવી છે, અને હાલ ૧૭ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન કમળાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે.

આ ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા ૨૮૬૩૨ જેટલી ક્લોરિન ટેબલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. લોકોએ ઉકાળેલું પાણી પીવું જોઈએ અને ગરમ ખોરાક લેવો જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિને કમળાના લક્ષણ દેખાય તો જાતે દવા ન લેતા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો 2

ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો

ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો 1

ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો

ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો 1