બંધ

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨નું સ્વાગત કરવામાં આવ્યું

પ્રકાશિત તારીખ : 11/10/2018

આણંદ – ગુરૂવાર :: રાજય સરકાર જીવ માત્રની ચિંતા કરીને સંવેદનશીલતાથી કાર્યરત છે. જેના ભાગરૂપે મૂંગા પશુ જીવોને ઇજા કે બિમારીમાં તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવતી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨નો રાજયના ૨૬ જિલ્લાઓમાં ગાંધીનગરથી રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, અબોલ પશુ જીવોની આવી આરોગ્ય સારવાર સુવિધામાં કરૂણા એમ્બ્યુલન્સથી ગુજરાતે લીડ લીધી છે અને એક નવા અધ્યાયની ગુજરાતે શરૂઆત કરી છે.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ના રાજયના ૨૬ જિલ્લાઓમાં પ્રારંભ કરાવ્યો તેમાં આણંદ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

તદ્અનુસાર આ સેવા હેઠળ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ આજે આણંદ ખાતે આવી પહોંચતા જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાએ કલેકટર કચેરી ખાતે તેનું સ્વાગત કરી આજથી આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ અંગેની વિગતો આપતાં આણંદ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ. સ્નેહલ પટેલે જણાવ્યું કે, કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨નું સમગ્ર સંચાલન ૧૦૮ GVK EMRI, અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સેવા હેઠળ અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત, બિનવારસી, માલિક વિહોણા પશુ-પક્ષીઓની ઇમરજન્સી સારવાર નિ:શુલ્ક કરવામાં આવનાર છે. જેનો સમય સવારના ૮ થી સાંજના ૮ સુધીની છે.

ડૉ. પટેલે વધુમાં આ સેવાનો લાભ મેળવવા જેમ હાલમાં ૧૦૮ની સેવા અમલમાં છે તે જ રીતે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ કોઇપણ નાગરિક પોતાના મોબાઇલ ફોનથી ટોલ ફ્રી-૧૯૬૨ નંબર ડાયલ કરી શકશે જેનાથી આ કરૂણા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી જઇને નિ:શુલ્ક સારવાર આપશે તેમ જણાવી આ સેવા હાલ આણંદ શહેર વિસ્તારમાં કાર્યરત થશે તેમ કહ્યું હતું.

આમ હવે રાજય સરકાર સ્વયં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ના માધ્યમથી આવા મૂંગા જીવોની વ્હારે આવી છે.

આ પ્રસંગે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨માં મૂંગા જીવોની સારવાર કરનાર ડૉ. દીશા, પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સર્વધર્મ સમભાવના જીવદયા આણંદના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મુકેશભાઇ, નેચરલ કલબ વિદ્યાનગરના શ્રી ધવલ પટેલ સહિત પશુ-પંખી પ્રતિ જીવદયાની લાગણી ધરાવતા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ